રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ મહિલા અને તેમના પતિ સાયબર ઠગોના ખતરનાક Digital Arrest Scamનો ભોગ બન્યા છે. નકલી મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી બની સાયબર ઠગોએ વૃદ્ધ દંપતીને સાત દિવસ સુધી ધમકાવીને અલગ-અલગ તબક્કે આશરે 55 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, ત્યારબાદ વધુ 41 લાખની માગણી કરવામાં આવતા દંપતીની દીકરીને સમગ્ર મામલે શંકા ગઈ હતી અને તેણે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
WhatsApp કોલથી શરૂ થયો સમગ્ર મામલો
મળતી માહિતી પ્રમાણે, 18 ઓગસ્ટે વૃદ્ધ મહિલાને એક અજાણ્યા નંબર પરથી WhatsApp કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે આપી હતી. આરોપીઓએ વાતને વિશ્વસનીય બનાવવા માટે RBIના નામે બનાવટી દસ્તાવેજો પણ WhatsApp મારફતે મોકલ્યા હતા.
ઠગોએ વૃદ્ધ મહિલાને જણાવ્યું હતું કે તેમના સીમકાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઈમ તેમજ ‘સાયબર ટેરરિઝમ’ જેવી ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે. આ વાતથી વૃદ્ધ દંપતી એટલા ગભરાઈ ગયા કે આરોપીઓ જે સૂચના આપતા ગયા તેનું પાલન કરતા ગયા.
સાત દિવસ સુધી ડરાવી ₹55 લાખ પડાવ્યા
નકલી પોલીસ અધિકારીઓ વૃદ્ધ દંપતીને સતત ધમકીઓ આપતા રહ્યા. સાત દિવસ દરમિયાન અલગ-અલગ તબક્કે તેમની પાસેથી આશરે 55 લાખની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
પરંતુ આટલી મોટી રકમ મળી ગયા બાદ પણ ઠગોની માગણી અટકી નહોતી. આરોપીઓએ હવે વધુ 41 લાખ આપવાની માંગ કરી હતી.
વધુ રકમની વ્યવસ્થા કરવા માટે દંપતીએ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ તોડવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે મુંબઈમાં રહેતી પોતાની દીકરીનો સંપર્ક કર્યો હતો.
દીકરીને માતાની વાતચીતમાં શંકા ગઈ
માતાની સાથે વાત કરતી વખતે દીકરીને તેમની વાતચીત અને ગભરાટભર્યા અવાજ પરથી સમગ્ર મામલો સામાન્ય ન હોવાનું જણાયું હતું. તેને શંકા જતા તેણે તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને મદદ માગી હતી.
દીકરીની જાણ થતાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી.
નકલી પોલીસથી એટલા ડર્યા કે અસલી પોલીસ માટે પણ દરવાજો ન ખોલ્યો
સાત દિવસ સુધી નકલી પોલીસ અધિકારીઓની ધમકીઓ સાંભળ્યા બાદ વૃદ્ધ મહિલા એટલી ભયભીત થઈ ગય હતી કે શરૂઆતમાં તેમણે રાજકોટ પોલીસની ટીમ પર પણ વિશ્વાસ કર્યો નહોતો. તેમણે પોલીસ માટે પોતાના ઘરના દરવાજા ખોલ્યા નહોતા.
પોલીસે ધીરજપૂર્વક તેમને સમજાવ્યા કે તેઓ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે અને પોલીસ તેમની મદદ માટે આવી છે. ત્યારબાદ વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો અને પોલીસને ઘરમાં પ્રવેશ આપ્યો.
પોલીસકર્મીઓએ સમગ્ર હકીકત સમજાવતાં વૃદ્ધ મહિલા ભાવુક થઈને રડી પડ્યા હતા. પોલીસે તેમને પાણી પીવડાવીને હિંમત આપી હતી. સમયસર દીકરીએ શંકા વ્યક્ત કરીને પોલીસનો સંપર્ક કર્યો હોવાથી વધુ 41 લાખની છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી હતી.
છેતરપિંડીની રકમ પશ્ચિમ બંગાળના ખાતામાં ટ્રાન્સફર
રાજકોટના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે છેતરપિંડીની રકમ પશ્ચિમ બંગાળના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આ રકમ કયા-કયા ખાતામાં પહોંચી છે તેમજ સમગ્ર કૌભાંડ પાછળ સંડોવાયેલા લોકો કોણ છે તેની તપાસ કરી રહી છે.
Digital Arrest Scamથી બચવા શું ધ્યાન રાખવું?
પોલીસ કે અન્ય સરકારી એજન્સીના નામે ફોન કરીને વ્યક્તિને ડરાવવી અને વીડિયો કોલ પર રાખીને પૈસા પડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને સાયબર ઠગો પોલીસ, CBI, ક્રાઈમ બ્રાંચ, RBI જેવી સંસ્થાઓના નામનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે છે.
સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ સરકારી એજન્સી ફોન અથવા વીડિયો કોલ મારફતે વ્યક્તિને ‘Digital Arrest’ કરતી નથી. કોઈ અજાણી વ્યક્તિ પોલીસ કે સરકારી અધિકારી તરીકે ઓળખ આપી બેંક ખાતાની વિગતો, OTP અથવા પૈસા ટ્રાન્સફર કરવાની માગણી કરે તો ગભરાવું નહીં. પરિવારજનોને જાણ કરીને તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઈમની મદદ લેવી જોઈએ.