શિવપાલ સિંહ પર NADAની મોટી કાર્યવાહી

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા જેવલિન થ્રોઅર શિવપાલ સિંહ પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ મોટી કાર્યવાહી કરી છે. ડોપિંગ નિયમોના બીજી વખત ભંગ બદલ તેમના પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ડોપ ટેસ્ટમાં પ્રતિબંધિત સ્ટેરોઇડ મળ્યું

NADAના જણાવ્યા મુજબ શિવપાલ સિંહનો તાજેતરનો ડોપ ટેસ્ટ પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોઇડ મેથેન્ડીએનોન માટે પોઝિટિવ આવ્યો હતો. આ પદાર્થ WADA અને NADAની પ્રતિબંધિત યાદીમાં સામેલ છે. બીજી વખત ડોપિંગ નિયમોના ભંગ બદલ એન્ટી ડોપિંગ ડિસિપ્લિનરી પેનલે કડક નિર્ણય લીધો છે.
2019માં જીત્યો હતો એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર

શિવપાલ સિંહે 2019ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 86.23 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ ભારતના ટોચના જેવલિન થ્રોઅર્સમાં સામેલ રહ્યા છે. 31 વર્ષની ઉંમરે લાગેલા આ 10 વર્ષના પ્રતિબંધથી તેમની રમતગમતની કારકિર્દી પર મોટો પ્રશ્ન ઊભો થયો છે.
અગાઉ પણ ડોપિંગ કેસમાં ફસાયા હતા

આ પહેલી વખત નથી જ્યારે શિવપાલ ડોપિંગ કેસમાં ફસાયા હોય. 2021માં આઉટ-ઓફ-કમ્પિટિશન ટેસ્ટ દરમિયાન તેમના સેમ્પલમાં સ્ટેરોઇડ મળી આવ્યું હતું. ત્યારબાદ 2022માં NADAએ તેમના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, શિવપાલે પોતે લીધેલા સપ્લિમેન્ટમાં દૂષિત પદાર્થ હોવાનો દાવો કર્યો હતો.
વાપસી બાદ પણ કર્યો હતો શાનદાર દેખાવ

જાન્યુઆરી 2023માં અપીલ પેનલે તેમની દલીલ સ્વીકારીને પ્રતિબંધની સજા ઘટાડીને એક વર્ષ કરી હતી. ત્યારબાદ એપ્રિલ 2023માં તેમણે વાપસી કરી હતી. વાપસી બાદ ભુવનેશ્વરમાં નેશનલ ઇન્ટર-સ્ટેટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ગોવામાં યોજાયેલી 2023 નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે બીજી વખત ડોપિંગ ભંગ બદલ 10 વર્ષના પ્રતિબંધથી તેમની કારકિર્દીને મોટો ઝટકો લાગ્યો છે.