જો તમે બજારમાંથી બ્રાન્ડેડ તેલનો ડબ્બો ખરીદતા હોવ, તો આ અહેવાલ તમારા માટે આંખ ઉઘાડનારો છે...કારણ કે નફાખોરીના ચક્કરમાં ડુપ્લિકેટ માફિયાઓ હવે તમારા રસોડા સુધી પહોંચી ગયા છે અને તમારા સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે.
જી હા, ડબ્બો અસલી પણ તેની અંદર ભરેલું તેલ તદ્દન નકલી અને સબ-સ્ટાન્ડર્ડ! અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી 'ઘાણીવાળા ટ્રેડર્સ' નામની દુકાન પર જ્યારે પોલીસે બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરી, ત્યારે આ ચોંકાવનારી હકીકત સામે આવી. અહીં પ્રખ્યાત બ્રાન્ડના નામે નકલી કપાસિયા તેલનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું હતું. પોલીસે આ કાળા કારોબારના માસ્ટરમાઇન્ડ અમિત કુશવાહ નામના વેપારીને રંગેહાથ દબોચી લીધો છે...
આ કોઈ સામાન્ય ભેળસેળ નથી, પણ લોકોના ઘરમાં મોકલાતું 'સ્લો પોઈઝન' એટલે કે ધીમું ઝેર છે...આરોપી અમિત કુશવાહની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે સામાન્ય માણસ ક્યારેય પકડી ન શકે. તે ભંગાર બજારમાંથી તિરુપતિ કંપનીના ખાલી અને વપરાયેલા અસલી ડબ્બાઓ સસ્તા ભાવે ખરીદતો હતો...ત્યારબાદ આ ડબ્બાઓમાં અત્યંત સસ્તું, ગંદું અને હલકી ગુણવત્તાનું તેલ ભરી દેતો હતો...લોકોને જરાય શંકા ન જાય તે માટે ડબ્બા પર આબેહૂબ ડુપ્લિકેટ સીલ અને બુચ લગાવીને તેને બજારમાં અસલી તિરુપતિ તેલ તરીકે વેચી મારતો હતો.
માત્ર થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ જોખમમાં મૂકીને આ સસ્તું તેલ મોંઘા ભાવે વેચી, લાખો રૂપિયાની કમાણી કરવાનો ખેલ ચાલી રહ્યો હતો...દરોડા દરમિયાન વટવા પોલીસે દુકાનમાંથી અંદાજે નકલી તેલના 44 ડબ્બા જપ્ત કર્યા છે. હાલ તો પોલીસે નફાખોર આરોપી અમિત કુશવાહ સામે 'ધી કોપીરાઈટ એક્ટ'ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આરોપી ભલે પકડાઈ ગયો હોય, પણ સવાલ એ થાય છે કે રસોડા સુધી કેન્સર જેવી બીમારીઓ વહોરી લાવતું આ નકલી તેલ ક્યારથી વેચાતું હતું? આ નકલી તેલ અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં અને કઈ હોટલો કે દુકાનોમાં સપ્લાય થયું છે? શું આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા હવે રખિયાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.