1/4
TRAI New Recharge Rules: શું તમે પણ દર મહિને રિચાર્જ કરાવો છો, પણ મોબાઇલ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી? જો તમારો ફોન પણ મુખ્યત્વે કોલ અને SMS માટે જ કામમાં આવે છે, તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. TRAIએ ટેલિકોમ કંપનીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેના હેઠળ Voice અને SMS-only રિચાર્જનો વિકલ્પ આપવો જરૂરી બનશે. એટલે કે, હવે ફક્ત ફોન અને SMS કરવા માટે મોંઘા રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. જાણો આ નવા નિયમો ક્યારે અને કેવી રીતે લાગુ થશે.
2/4
નવા નિયમો હેઠળ ટેલિકોમ કંપનીઓએ ફોન અને મેસેજ માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ઉપલબ્ધ કરાવવાના રહેશે. આ પ્લાનની કિંમત ડેટાવાળા પેકની સરખામણીમાં યોગ્ય રીતે ઓછી રાખવી પડશે. TRAIનું આ પગલું ખાસ કરીને એવા ગ્રાહકો માટે મહત્વનું છે, જેમને માત્ર કોલિંગ અને SMSની જરૂર હોય છે. હવે જે ગ્રાહકોને મોબાઇલ ડેટાની જરૂર નથી, તેમને ડેટા સાથેનો મોંઘો પેક લેવાનો ખર્ચો કરવો પડશે નહીં. નવા નિયમોમાં ઓછા સમયગાળા અને માસિક રિચાર્જ કરનારા ગ્રાહકો માટે પણ રિચાર્જ પ્લાન આપવાની વ્યવસ્થા કરાઈ છે.
3/4
30 દિવસ કે તેનાથી ઓછી વેલિડિટીવાળા પ્લાન માટે ખાસ નિયમ - 30 દિવસ કે તેનાથી ઓછી વેલિડિટી ધરાવતા Voice/SMS અને ડેટાવાળા STVને ધ્યાનમાં રાખીને કંપનીઓએ ફોન અને મેસેજના પ્લાન ઉપલબ્ધ કરાવવાના રહેશે. આ સુવિધા એવા ગ્રાહકોને કામ લાગશે, જેઓ લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન લેવા માંગતા નથી. આ ઉપરાંત કંપનીઓએ એવો વિકલ્પ પણ આપવો પડશે, જેમાં પ્લાન દર મહિને એક જ તારીખે રિન્યૂ થાય. જો કોઈ મહિનામાં તે તારીખ કેલેન્ડરમાં ઉપલબ્ધ ન હોય, તો તે મહિનાની છેલ્લી તારીખે રિન્યુઅલ કરવામાં આવશે.
4/4
કેમ કરાયો આ ફેરફાર? - TRAIના જણાવ્યા મુજબ હાલના બજારમાં Voice-SMS-only પ્લાન મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ હતા અને તેમાં મોટાભાગના વિકલ્પો લાંબી વેલિડિટી ધરાવતા હતા. આવી સ્થિતિમાં ઓછી આવક ધરાવતા ગ્રાહકો પાસે ઓછા સમયગાળાનો સસ્તો રિચાર્જ પસંદ કરવાના વધારે વિકલ્પો નહોતા. નવા નિયમો બાદ ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે પ્લાન પસંદ કરી શકશે.